Friday, November 12, 2010

વિશુદ્ધ મનુસ્મૃતિ

વિશુદ્ધ મનુસ્મૃતિ – પ્રો. ડૉ. સુરેન્દ્રકુમાર

[વૈદિક ધર્મના સિદ્ધાંતોનું સંવિધાન દર્શાવતા પ્રાચીન ગ્રંથ ‘મનુસ્મૃતિ’માંથી કેટલાક જીવનોપયોગી સુવિચારો અહીં ‘વિશુદ્ધ મનુસ્મૃતિ’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યા છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
[1]
एक एव सुहद्धर्मो निधतेडप्यनुयाति यः ।
शरीरेण समं नाशं सर्वमन्यद्धि गच्छति ।।
આ સંસારમાં એક ધર્મ જ સુહૃદ એટલે કે મિત્ર છે, જે મૃત્યુ પછી પણ સાથે આવે છે અને સર્વ પદાર્થ કે સંગી શરીરના નાશ સાથે જ નાશને પ્રાપ્ત થાય છે અર્થાત સર્વ સંગ છૂટી જાય છે પરંતુ ધર્મનો સંગ કદી છૂટતો નથી.
[2]
नामुत्र हि सहायार्थं पिता माता च तिष्ठतः ।
न पुत्रदारा न ज्ञातिर्धर्मस्तिष्ठति केवलः ।।
एकः प्रजायते जन्तुरेक एव प्रलीयते ।
एकोडनुभुडक्ते सुकृतमेक एव च दुष्कृतम ।।
मृतं शरीरमुत्सृजय काष्ठालोष्ठसमं क्षितौ ।
विमुखा बान्धवा यान्ति धर्मस्तभनुगच्छति ।।
પરલોકમાં માતા, પિતા, પુત્ર, સ્ત્રી અને જ્ઞાતિ એમાંથી કોઈ પણ સહાય કરી શકતા નથી, કિન્તુ એક ધર્મ જ આપણો સહાયક બને છે. જુઓ, એકલો જ જીવ જન્મ અને મરણને પ્રાપ્ત કરે છે તેમ તે એકલો જ ધર્મનું ફળ, સુખ અને અધર્મનું દુઃખરૂપી ફળ ભોગવે છે. જ્યારે કોઈનો સંબંધી મરી જાય છે ત્યારે તેને લાકડાં અને માટીના ઢેફાની માફક ભૂમિ ઉપર છોડીને તેના તરફ પીઠ કરી બન્ધુવર્ગ વિમુખ થઈ ચાલ્યા જાય છે. કોઈ તેની સાથે જનાર હોતું નથી. કિન્તુ એક ધર્મ જ તેનો સંગી થાય છે.

[3]
सदा प्रह्यष्ट्या भाव्यं गृहकार्येषु दक्षया ।
सुसंस्कृतोपस्करया व्यये चामुक्तहस्तया ।।
સ્ત્રીઓ માટે તે યોગ્ય છે કે તેઓ અતિ પ્રસન્નતાથી ઘરનાં કાર્યોમાં ચતુરાઈપૂર્વક સર્વ પદાર્થોનો ઉત્તમ સંસ્કાર અને ઘરની શુદ્ધિ રાખે, ખર્ચ કરવામાં અત્યંત ઉદાર ન રહે, અર્થાત યથાયોગ્ય ખર્ચ કરે, સર્વ વસ્તુઓને પવિત્ર રાખે, રસોઈ એવી રીતે બનાવે કે જે ઔષધિરૂપ બનીને શરીર અને આત્મામાં રોગ પ્રવેશવા ન દે. જે જે વ્યય-ખર્ચ થાય, તેનો હિસાબ બરાબર રાખે અને પતિ આદિને બતાવે. ઘરના નોકર-ચાકર પાસે યથાયોગ્ય કામ લે અને ઘરનાં કોઈપણ કામને બગડવા ન દે.
[4]
योडन्यथा सन्तमात्मानमन्यथा सत्सु भाषते ।
स पापकृतमो लोके स्तेन आत्मापहारकः ।।
જે વ્યક્તિ સ્વયં કંઈક બીજું હોવા છતાં જે પોતે પોતાને કંઈકનું કંઈક બતાવે તે આ લોકમાં ‘અતિપાપી’ માનવામાં આવે છે. કારણ કે તે પોતાના આત્માનું હનન કરનાર ચોર છે.
[5]
दुढकारी मृदुर्दान्तः क्रूराचारैरसवसन ।
अहिंस्नो दमदानाभ्यां जयेत्स्वर्गं तथाव्रतः ।।
જે વ્યક્તિ સદા દઢકારી, કોમળ સ્વભાવ અને જિતેન્દ્રિય છે તેમજ જે હિંસક, ક્રૂર અને દુષ્ટાચારી પુરુષોથી અલગ એટલે કે પૃથક રહે છે અને જે હિંસાના સ્વભાવરહિત છે, તે ધર્માત્મા પુરુષ, મનને જીતવાથી અને વિદ્યાદિ દાનથી સુખને પ્રાપ્ત કરે છે.
[6]
पानं दुर्जनसंसर्गः पत्या च विरहोडटनम ।
स्वप्नोडन्यगेहवासश्च नारीसंदूषणानि षट ।।
મદ્ય, ભાંગ આદિ નશીલા દ્રવ્યોનું પીવું, દુષ્ટ પુરુષોનો સંગ, પતિવિયોગ, એકલાં જ્યાં ત્યાં રખડવું અને પારકે ઘેર જઈને શયન કે વાસ કરવો – સ્ત્રીને દૂષિત કરનારા આ છ દુર્ગુણો છે.
[7]
उत्कोचकाशचौपधिका वझ्चकाः कितवास्तथा ।
मडलादेशवृताश्च भद्राश्चेक्षणिकैः सह ।।
असम्यक्कारिणश्चैव महामात्राश्चिकित्सकाः ।
शिल्पोपचारयुक्ताश्च निपुणाः पण्ययोषितः ।।
एवमादीन्विजानीयात्प्रकाशांल्लोककण्टकान ।
निगूढचारिणश्चान्याननार्यानार्यलिंग्नानः ।।
(1) રૂશવતખોર (2) ભય બતાવીને ધન હરનાર (બ્લેકમેઈલ કરનાર) (3) ઠગ (4) જુગારમાંથી ધન લેનાર (5) ‘તમને પુત્ર કે ધનપ્રાપ્તિ થશે’ વગેરે માંગલિક વાતો કહીને ધન લૂંટનાર (6) સાધુ-સંન્યાસી આદિ ભદ્રરૂપ ધારણ કરીને ધન ઠગનાર, (7) હાથ આદિ જોઈને ભવિષ્ય બનાવી ધન ઠગનાર (8) ધન, વસ્તુ વગેરે લઈને ખોટી રીતે કામ કરનાર ઉચ્ચ રાજકર્મચારી (મંત્રી, પ્રધાન વગેરે), (9) અનુચિત માત્રામાં ધન લેનાર કે અયોગ્ય ચિકિત્સક, વૈદ (10) ધન ઠગવામાં ચતુર વેશ્યાઓ વગેરેને અને બીજા જે શ્રેષ્ઠોનો વેશ કે ચિહ્ન ધારણ કરીને ગુપ્ત રીતે વિચરણ કરનાર દુષ્ટ કે ખરાબ વ્યક્તિ હોય તેને પ્રજાઓને પીડિત કરનાર ચોર સમજવા.
[8]
पितृभिर्भ्रातृभिश्चैताः पतिभिर्देवरैस्तथा ।
पूज्या भूषयितव्याश्च बहुकल्याणमीप्सुभिः ।।
પિતા, ભાઈ, પતિ અને દીયર વગેરે માટે યોગ્ય છે કે તેઓ પોતાની કન્યા, બહેન, સ્ત્રી, અને ભાભી વગેરે સ્ત્રીઓની હંમેશા પૂજા-સત્કાર કરે અર્થાત યથાયોગ્ય મધુર ભાષણ, ભોજન, વસ્ત્ર, આભૂષણ વગેરેથી પ્રસન્ન રાખે. જેઓની કલ્યાણની ઈચ્છા હોય તેઓએ સ્ત્રીઓને કદી પણ કલેશ નહિ આપવો.
[9]
इन्दियाणां तु सर्वेषां यधेकं क्षरतीन्द्रियम ।
तेनास्य क्षरति प्रज्ञा दते पादादिवोदकम ।।
સર્વ ઈન્દ્રિયોમાં જો એક પણ ઈન્દ્રિય પોતાના વિષયમાં આસક્ત થઈને રહે તો તેને કારણે જેમ ચામડાના વાસણમાં છિદ્ર પડવાથી બધું પાણી ધીમે ધીમે બહાર નીકળી નાશ પામે છે તેમ વિષયોમાં આસક્ત થયેલ મનુષ્યની બુદ્ધિ નાશ થતી જાય છે.
[10]
अभिवादनशीलस्य नित्यं वृद्धोपसेविनः ।
चत्वारि तस्य वर्धन्ते आयुर्विधायशो बलम ।।
અભિવાદન કરવાનો જેનો સ્વભાવ છે તેવા તથા વયોવૃદ્ધ અને વિદ્યાવૃદ્ધ પુરુષોની જે નિત્ય સેવા કરે છે, તેની ઉંમર, વિદ્યા, કીર્તિ અને બળ એ ચારેય નિત્ય ઉન્નતિ પામ્યા કરે છે.
[11]
नापृष्टः कस्यचिद ब्रूयान्न चान्यायेन पृच्छतः ।
जानन्नपि हि मेघावी जडवल्लोक आचरेत ।।
કદી વગર પૂછ્યે કે અન્યાયથી પૂછનારાને કે જે કપટથી પ્રશ્ન પૂછતા હોય તેને ઉત્તર ન આપવો અને તેની સામે જાણતા હોવા છતાં બુદ્ધિમાન લોકોએ જડ જેમ રહેવું. નિષ્કપટ અને જિજ્ઞાસુ હોય, તેને વિના પૂછ્યે પણ ઉપદેશ કરવો.
[12]
नात्मानमवमन्येत पूर्वाभिरसमृद्धिभिः ।
आमृत्योः श्रियमन्विच्छेन्नैनां मन्येत दुर्लभाम ।।
જે ગૃહસ્થો પ્રથમ પુષ્કળ ધનવાન હોય અને પછી (દુર્ભાગ્યવશ) નિર્ધન સ્થિતિમાં આવી પડે તો તે વખતે પોતાના આત્માનું અપમાન અથવા વિલાપ કદી ન કરવો કે ‘હાય ! અમે નિર્ધન થઈ ગયા.’ વગેરે.. કિન્તુ જરૂરિયાત પૂરતી લક્ષ્મી મેળવવા માટે મરણ પર્યન્ત પુરુષાર્થ કરવો અને તે દુર્લભ છે એમ કદી પણ ન સમજવું.
[13]
सत्यं ब्रूयात्प्रियं ब्रूयान्न ब्रूयात्सत्यमप्रियम ।
प्रियं च नातृतं ब्रूयादेष धर्मः सनातनः ।।
સદા પ્રિય, સત્ય અને હિતકારક બોલવું. અપ્રિય સત્ય અર્થાત કાણાને કાણો ન કહેવો. અનૃત અર્થાત જૂઠું, બીજાને પ્રસન્ન કરવા અર્થે બોલવું નહિ. આ સનાતન ધર્મ છે.
[14]
नेहेतार्थान्प्रसगेन न विरुद्धेन कर्मणा ।
न विधमानेष्वर्थेषु नार्त्यामपि यतस्ततः ।।
ગૃહસ્થે કદી પણ દુષ્ટતાના પ્રસંગથી, ધર્મવિરુદ્ધ કર્મથી અને વિદ્યમાન પદાર્થ હોવા છતાં તેને ગુપ્ત રાખી, કપટ કરીને અને ગમે એટલું દુઃખ આવી પડે તો પણ અધર્મથી અથવા બીજા કોઈ એવા કુમાર્ગથી ધનનો સંચય કદી પણ ન કરવો.
[15]
न कन्यायाः पिता विद्वान्गृहणीयाच्छुकमण्वपि ।
गृहणच्छुल्कं हि लोभेन स्यान्नरोडपत्यविक्रयी ।।
બુદ્ધિમાન કન્યાના પિતાએ કન્યાના વિવાહમાં થોડું પણ મૂલ્ય કે ધન આપવું કે લેવું ન જોઈએ. લોભમાં આવીને જે મનુષ્ય મૂલ્ય લે તો તે મનુષ્ય સંતાનને વેચનાર જ કહેવાય છે.
[કુલ પાન : 314. કિંમત રૂ. 30. પ્રાપ્તિસ્થાન : દર્શન યોગ મહાવિદ્યાલય, આર્યવત રોઝડ, પો. સાગપુર, જિ. સાબરકાંઠા-383307.]

Source: readgujarati.com

No comments:

Post a Comment