Friday, November 12, 2010

શ્રીમદ ભાગવત

ઉદ્ધવગીતા – શ્રીમદ ભાગવત મહાપુરાણ

[જેમને આ ‘રીડગુજરાતી’ સમર્પિત કરવામાં આવ્યું છે તે ‘શ્રીમદ ભાગવત મહાપુરાણ’ના અગિયારમા સ્કંધમાં ભગવાન શ્રી કૃષ્ણે પ્રિય સખા ઉદ્ધવને આપેલો ઉપદેશ ‘ઉદ્ધવગીતા’ તરીકે ઓળખાય છે. આજના મંગલદિને તેમાંના કેટલાક મનનીય શ્લોકોનું આચમન કરીએ. સૌ વાચકમિત્રોને જન્માષ્ટમીની વઘાઈ.]
[1] પ્રિય ઉદ્ધવ ! બંધન અને મુક્તિ જેવું દુનિયામાં કશું નથી કારણ કે દરેક ગુણ તો માયાનું કાર્ય છે અને પોતાનું જે સ્વરૂપ છે તેમાં ન મોક્ષ છે કે ન બંધન. શોક, મોહ, સુખ, દુઃખ અને દેહની પ્રાપ્તિ – આ સઘળું માયાને કારણે જ છે, આત્માને માટે તો આ વાત સ્વપ્ના જેવી મિથ્યા છે. વિદ્યા અને અવિદ્યા આ બન્ને મારી જ શક્તિઓ છે, જે દેહધારીઓને ક્રમશઃ મોક્ષ અને બંધન કરાવનારી છે. આ બન્ને અનાદિ છે અને મારી માયાથી રચાયેલી છે.
[2] આ શરીર પ્રારબ્ધને આધીન છે; ઈન્દ્રિયો દ્વારા કર્મ કરવામાં આવે છે તેનું પ્રેરક મન છે. આ પ્રમાણે આ મન અને ઈન્દ્રિયો બન્ને ગુણોનાં કાર્ય છે. વાસ્તવમાં તો ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે. પરંતુ સામાન્ય વ્યક્તિ ‘આ બધું મેં કર્યું’ એવું માનીને બંધાઈ જાય છે.
[3] જેને કોઈ અપેક્ષા નથી, જે જગતના ચિંતનથી સદા ઉપરામ થઈને મારા જ મનન-ચિંતનમાં તલ્લીન રહે છે અને રાગ-દ્વેષ છોડીને સર્વમાં સમાન દષ્ટિ રાખે છે, તેવા મહાત્માની પાછળ-પાછળ હું નિરંતર એવું સમજીને ફર્યા કરું છું કે તેના ચરણોની રજ ઊડીને મારા ઉપર પડી જાય, જેથી મારામાં વસેલા બધા લોક પવિત્ર થઈ જાય.
[4] હું જ તમામ પ્રાણીઓ-મનુષ્યોમાં ચાલવાની, બોલવાની, મળત્યાગની, પકડવાની, આનંદ-ઉપભોગની શક્તિ છું. સ્પર્શની, દર્શનની, સ્વાદની, સાંભળવાની અને સૂંઘવાની શક્તિ પણ હું જ છું. સમસ્ત ઈન્દ્રિયોની ઈન્દ્રિય-શક્તિ હું જ છું. પૃથ્વી, વાયુ, આકાશ, જળ, તેજ, અહંકાર, મહતત્વ, પંચમહાભૂત, જીવ, અવ્યક્ત પ્રકૃતિ, સત્વ, રજ, તમ – આ બધા વિકારો અને તેમનાથી પર રહેનાર બ્રહ્મ – આ બધું હું છું. આ બધાં તત્વોની ગણના, લક્ષણો દ્વારા તેમનું જ્ઞાન તથા તત્વજ્ઞાન દ્વારા તેનું ફળ પણ હું જ છું. હું જ ઈશ્વર છું, હું જ જીવ છું, હું જ ગુણ છું અને ગુણી પણ હું જ છું. હું જ સર્વનો આત્મા છું અને સર્વરૂપ પણ હું છું. મારા સિવાય કોઈ પણ પદાર્થ ક્યાંય નથી. એમ સમજો કે જેનામાં પણ તેજ, શ્રી, કીર્તિ, ઐશ્વર્ય, લજ્જા, ત્યાગ, સૌન્દર્ય, સૌભાગ્ય, પરાક્રમ, તિતિક્ષા અને વિજ્ઞાન વગેરે શ્રેષ્ઠ ગુણ હોય તે મારા જ અંશ છે.

[5] આ મનુષ્ય શરીર અત્યંત દુર્લભ છે. સ્વર્ગના દેવતાઓ અને નરકના જીવો પણ તે ઈચ્છે છે. જ્ઞાનામાર્ગ કે ભક્તિમાર્ગના સાધકો પણ મનુષ્ય-શરીરની કામના કરે છે, કેમકે સ્વર્ગ અથવા નરક બન્ને સ્થાનોમાં ભગવત્પ્રાપ્તિ થતી નથી, તે તો માત્ર મનુષ્ય-શરીરમાં જ થાય છે. વિવેકી પુરુષે સ્વર્ગ, નરક અથવા આ લોકની કોઈ પણ કામના ન કરવી જોઈએ, એટલું જ નહિ, આ મનુષ્ય-શરીર શ્રેષ્ઠ છે, માટે ફરી હું મનુષ્ય થાઉં એવી પણ ઈચ્છા ન કરવી જોઈએ. કારણ કે કોઈ પણ દેહાસક્તિ રાખવાથી મનુષ્ય પ્રમાદી બને છે અને તેનું પતન થાય છે.
[6] હે ઉદ્ધવ ! આ બહારનું દેખાતું જગત મનનો વિલાસમાત્ર છે. એ એક ભ્રમ છે કારણ કે જે બધું દેખાય છે તે બધું જ નાશ પામે છે. તે અત્યંત ચંચળ, બદલાતું રહેનારું અને નાશવંત છે. આ સંસારચક્ર એટલા વેગથી ફરી રહ્યું છે કે તેના ચાલક પરમાત્માને કોઈ જાણી શકતું નથી. તેમની માયા જ જુદા જુદા રૂપ ધારણ કરીને દેખાઈ રહી છે. વિજ્ઞાનસ્વરૂપ એક જ આત્મા અનેક સ્વરૂપે ભાસે છે માટે જે બધા ભેદ અને વિવિધતા દેખાય છે એ તો કેવળ માયા જ છે.
[7] માણસનું મન કર્મોને આધીન છે. મનનો સ્વભાવ છે કે તે ભાત ભાતના વિષયોનું ચિંતન કર્યા કરે છે. જ્યારે નવો વિષય આવે છે ત્યારે અગાઉનું બધું ભૂલાતું જાય છે અને નવામાં મન પરોવાઈ જાય છે. આ રીતે પૂર્વકાળના વિષયોની સ્મૃતિ પણ વિસરાતી જાય છે. એથી જ જીવને કર્મોને આધીન નવા-નવાં શરીરો પ્રત્યે અત્યંત આસક્તિ થતી જાય છે અને તેને લીધે હર્ષ અને તૃષ્ણા થાય છે. એ સમયે એને અગાઉના શરીરો યાદ રહેતા નથી. એ શરીરોની વિસ્મૃતિ થઈ જાય છે. બસ, આ જ મૃત્યુ છે. આ રીતે શરીરનો નાશ થાય છે, જીવનો નાશ થતો નથી. પરંતુ મનુષ્ય તો એમ જ માનતો હોય છે કે ‘હું આ શરીર છું.’ જ્યારે નવું શરીર મળે છે ત્યારે એને ‘જન્મ’ કહેવાય છે. પહેલાંના શરીરો ભૂલાઈ ગયા હોવાથી જીવ એમ માને છે કે ‘હું પહેલાં નહોતો. હું તો હમણાં જ નવો પેદા થયો છું.’ એ એના જૂના શરીરોને સદંતર ભૂલી જાય છે.
[8] હે ઉદ્ધવ, કાળની ગતિ એટલી સુક્ષ્મ હોય છે કે તે જોઈ શકાતી નથી. એના દ્વારા પ્રતિક્ષણ શરીરોની ઉત્પત્તિ અને નાશ થતાં જ રહે છે. સૂક્ષ્મ હોવાને કારણે જ પ્રતિક્ષણ થતાં જન્મ-મૃત્યુ દેખાતાં નથી. જેમ કાળના પ્રભાવથી દીવાની જ્યોત, નદીનો પ્રવાહ અને વૃક્ષનાં પાન-ફળ વગેરેની સ્થિતિ ક્ષણે-ક્ષણે બદલાતી હોય છે તેવી જ રીતે દરેક પ્રાણીઓના શરીરની સ્થિતિ પણ સતત બદલાયા જ કરે છે.
[9] પિતાએ પુત્રના જન્મથી અને પુત્રે પિતાના મૃત્યુથી પોતપોતાના મૃત્યુનું અનુમાન કરી લેવું જોઈએ. જન્મ અને મૃત્યુ જેનું થાય છે તેને જાણવાવાળો જે આત્મા છે, તે જન્મ કે મૃત્યુ એ બન્ને લક્ષણોથી પર છે. શરીરનાં પણ જન્મ અને મૃત્યુ જોનારો શરીરથી ભિન્ન છે – તે જ આત્મા છે. તેનો જન્મ કે નાશ થતો નથી.
[10] જેમ સારી રીતે ઈલાજ ન કરવાથી રોગ મૂળમાંથી જતો નથી, તે વારંવાર માથું ઊંચકીને મનુષ્યને પરેશાન કરે છે, તે જ રીતે જેના મનની વાસનાઓ અને કર્મના સંસ્કાર નષ્ટ નથી થયા, જે સ્ત્રી-પુત્રાદિમાં આસક્ત છે એને કર્મની વાસનાઓ પીડા આપતી રહે છે. જીવ સંસ્કારોથી પ્રેરાઈને જન્મથી મૃત્યુ સુધી કર્મમાં જ જોડાયેલો રહે છે અને તેમાં ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ કરીને હર્ષ-વિષાદ વગેરે વિકારોને પ્રાપ્ત થતો રહે છે. પરંતુ જે તત્વને જાણી લે છે તેના સંસ્કાર અનુસાર કર્મો ચાલુ રહેવા છતાં હર્ષ-શોક વગેરે વિકારોથી તે પર હોય છે.
[11] હે ઉદ્ધવ, પોતાનું હિત ઈચ્છનાર મનુષ્યે ભોગવિલાસથી દૂર રહેવું જોઈએ. વિષયો અને ઈન્દ્રિયોના સંયોગથી જ મનમાં વિકાર પેદા થાય છે. અન્યથા વિકારનો કોઈ અવસર જ નથી. જે વસ્તુ ક્યારેય જોઈ કે સાંભળી નથી, તેના માટે મનમાં વિકાર થતો નથી. જે લોકો આ વિષયોમાંથી પોતાના ચિત્તને બચાવી લે છે, એમનું મન આપમેળે જ શાંત થઈ જાય છે. મોટા-મોટા વિદ્વાનો માટે પણ પોતાની ઈન્દ્રિયો અને મન વિશ્વાસપાત્ર નથી. આથી, ખૂબ સાવધાનીપૂર્વક વર્તવું.
[12] આ સંસારમાં મનુષ્યને કોઈ બીજું સુખ કે દુઃખ આપતું જ નથી. આ તેના ચિત્તનો ભ્રમ માત્ર છે. આ સઘળો સંસાર અને તેની અંદરના મિત્ર-શત્રુના ભેદ કેવળ અજ્ઞાનને કારણે છે. તેથી હે ઉદ્ધવ, જે પોતાની વૃત્તિઓને મારામાં લીન કરી દે છે અને મનને વશમાં કરી લે છે તેને કોઈ ભેદ રહેતો નથી. બધી યોગ-સાધનાઓનો સાર આ જ છે.
[13] મન સૌથી વધુ બળવાન છે. જે મનુષ્ય મન પર કાબૂ મેળવી લે છે એ તો દેવોનો પણ દેવ છે. સાચે જ મન મોટો શત્રુ છે. તેનું આક્રમણ અસહ્ય છે. તે બહારના શરીરને નહીં પણ હૃદયાદિ મર્મસ્થાનોને પણ વેધે છે. તેને જીતવું ભારે કઠણ છે. મનુષ્યએ સૌથી પહેલાં મન પર વિજય પ્રાપ્ત કરવો જોઈએ. પરંતુ થાય છે એવું કે, મૂર્ખ લોકો આ મનને જીતવાનો પ્રયત્ન કરવાને બદલે બીજા લોકો સાથે સાચા-ખોટા ઝઘડા કર્યા કરે છે અને આ જગતના લોકોને જ શત્રુ કે મિત્ર બનાવી બેસે છે. સાધારણ રીતે મનુષ્યની બુદ્ધિ કુંઠિત થઈ ગઈ છે તેથી ‘હું અને મારું’ તે માની બેઠો છે. એનાથી તે ભ્રમના ચક્કરમાં ફસાઈ જાય છે કે ‘આ હું અને આ બીજો.’ આનું પરિણામ એ થાય છે કે તેઓ આ અનંત અજ્ઞાનરૂપી અંધકારમાં ભટકતા રહે છે.
[14] હે ઉદ્ધવ, કોઈ પણ બાબતમાં ગમવાનો ભાવ રાખવાથી તે વસ્તુમાં આસક્તિ થઈ જાય છે. આસક્તિ થવાથી તેને મેળવવાની ઈચ્છા જન્મે છે. એ ઈચ્છા પૂરી થવામાં જો કોઈ વિધ્ન આવે તો લોકોમાં પરસ્પર કલેશ થાય છે. એ કંકાસથી અસહ્ય ક્રોધ ઉત્પન્ન થાય છે અને ક્રોધાવેશમાં પોતાના હિત-અહિતનું જ્ઞાન ઢંકાઈ જાય છે. એનાથી મનુષ્યની શુભાશુભ નિર્ણય કરનારી ચેતનશક્તિ લુપ્ત થઈ જાય છે. એ લુપ્ત થઈ જાય એટલે મનુષ્યમાં મનુષ્યત્વ રહેતું નથી, પશુતા આવી જાય છે અને તે શૂન્ય જેવો અસ્તિત્વહીન થઈ જાય છે. તેનું જીવન વૃક્ષ જેવું જડ બની જાય છે. તેના શરીરમાં એ રીતે વ્યર્થ શ્વાસ ચાલે છે, જેમ લુહારની ધમણ. તેને ન પોતાનું કોઈ જ્ઞાન રહે છે કે ન બીજાનું.
[15] હે ઉદ્ધવ, જેના ચિત્તમાં અસંતોષ છે એ જ સૌથી મોટો ગરીબ છે. જે ભાતભાતની ઈચ્છાઓમાં ડૂબેલો છે તે જ ‘અસમર્થ’ એટલે કે લાચાર છે. સાચો ધનવાન તો એ છે જેની પાસે સારા ગુણોનો ખજાનો છે. મનુષ્યશરીર જ સાચું ઘર છે અને સમર્થ, સ્વતંત્ર અને ઈશ્વર એ છે જેનું ચિત્ત ભોગોમાં આસક્ત નથી.

Source: readgujarati.com

No comments:

Post a Comment