Friday, November 12, 2010

[સંસ્કૃતિની ધરોહર એવા વેદો, પુરાણો, ઉપનિષદો સહિત અનેક પ્રકારના વૈદિક ગ્રંથો સૌને સરળતાથી સમજાય તે માટે શ્રી ભાણદેવજીએ લેખનક્ષેત્રે અદ્દભુત કાર્ય કર્યું છે. તેમની તપઃપુત વાણીને સાંભળવી તે પણ એક લ્હાવો છે. તેમના અનેક પુસ્તકો પૈકી એક ‘અધ્યાત્મ-કથા’માં 108 જેટલી સુંદર કથાઓનો સમાવેશ થાય છે. તેમાંથી કેટલીક કથાઓ આપણે સમયાંતરે માણીશું. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
[1] ભામતી
રાત્રિનો સમય છે. દક્ષિણ ભારતના એક નાના ગામના એક નાના મકાનની એક નાની ઓરડીમાં તેલનો એક નાનો દીપક બળી રહ્યો છે. ઓરડી નાની પણ સ્વચ્છ અને ગોમયથી લીંપેલી છે. એક ખૂણામાં પાણીની નાની માટલી મૂકેલી છે. દીપકની બાજુમાં કુશાસન પર એક મહાન સમર્થ પંડિત બેઠા બેઠા કોઈ ગંભીર ગહન ગ્રંથ લખી રહ્યા છે. પંડિતજી વચ્ચે વચ્ચે ગંભીર ચિંતનમાં લીન બની જાય છે અને પુનઃ લેખનકાર્યનો પ્રારંભ કરે છે.
દીપકમાં તેલ ખૂટી ગયું છે. પ્રકાશ ધીમે ધીમે મંદ બની રહ્યો છે. એક પ્રૌઢા સ્ત્રીએ આવીને દીપકમાં તેલ પૂર્યું. દીપકની વાટ પર મેશનો થર જામી ગયો હતો. તે સ્ત્રીએ વાટને મેશથી મુક્ત કરવાનો પ્રયત્ન કર્યો. તે વખતે દીપક હોલવાઈ ગયો. અંધકાર થતાં પંડિતજીનું લેખનકાર્ય બંધ થઈ ગયું. તે સ્ત્રીએ ત્વરાથી પુનઃ દીપકને પ્રજ્વલિત કર્યો. સ્ત્રી દીપકને પ્રજ્વલિત કરીને ઓરડીની બહાર જઈ રહી હતી અને તે વખતે પંડિતજીની દષ્ટિ તેના પર પડી. પંડિતજીએ કુતૂહલવશ કહ્યું :
‘દેવી, આપ કોણ છો ?’
સ્ત્રીએ હાથ જોડીને ઉત્તર આપ્યો : ‘દીપક હોલવાઈ જવાથી આપના કાર્યમાં વિધ્ન આવ્યું, તે માટે હું ક્ષમા માગું છું. ભગવન ! આપ આપનું લેખનકાર્ય ચાલુ રાખો.’
હવે પંડિતજીએ આગ્રહપૂર્વક પૂછ્યું :
‘ઊભા રહો. આપ કહો તો ખરા કે આપ કોણ છો ?’ સ્ત્રી તો મૌનભાવે હાથ જોડીને ઊભી જ રહી. પંડિતજીએ હાથમાંની પોથી નીચે મૂકી દીધી અને કહ્યું : ‘દેવી, જ્યાં સુધી આપ આપનો પરિચય નહિ આપો ત્યાં સુધી મારા લેખન કાર્યનો પુનઃ પ્રારંભ નહિ થાય.’

તે સ્ત્રીએ નેત્ર નીચા રાખીને, બંને હાથ જોડીને સંકોચપૂર્વક કહ્યું :
‘સ્વામિન ! હું આપની પરિણીતા પત્ની છું.’
પંડિતજીને આશ્ચર્ય થયું : ‘મારા લગ્ન ! મારી પત્ની !’ પંડિતજીને કાંઈક ઝાંખુ ઝાંખુ સ્મરણ થયું, પણ પૂરું સ્મરણ થતું નથી. આખરે તે નારીએ તેમને મદદ કરી. તેણે પંડિતજીને કહ્યું : ‘નાથ ! આજથી પચાસ વર્ષ પહેલાં મારા આપની સાથે અગ્નિની સાક્ષીએ લગ્ન થયા છે. ત્યારથી આજ સુધી આપ ગ્રંથલેખનમાં અને હું આપની સેવામાં સંલગ્ન છું !’
પંડિતજીના આશ્ચર્યની સીમા ન રહી. પંડિતજીને હવે સ્મરણ થયું. તેમણે પૂછ્યું :
‘દેવી, આપનું નામ શું છે ?’
‘આપની આ દાસીનું નામ ‘ભામતી’ છે.’
‘પચાસ વર્ષથી તમે અહીં મારી સાથે જ રહો છો ?’
‘હા, સ્વામી ! પચાસ વર્ષથી હું આપની સાથે જ રહું છું.’
‘પણ મને તો તમારી હાજરીની ખબર જ નથી !’
‘હા, નાથ ! આપ આપના આ ગ્રંથલેખન કાર્યમાં તલ્લીન બની ગયા છો. આપના આ કાર્યમાં જરા પણ બાધા ન પડે તેની કાળજી રાખીને હું આપની સેવામાં રત છું.’ પંડિતજી આશ્ચર્યથી સ્તબ્ધ બની ગયા. પંડિતજીને દુઃખ પણ થયું. પંડિતજીના હૃદયમાં થાય છે : ‘અ રે રે ! મારી ધર્મપત્નીની પચાસ વર્ષ સુધી મેં આવી ઘોર અવગણના કરી !’
આ પંડિતજી તે જ બ્રહ્મસૂત્ર-શાંકર ભાષ્યના મહાન ટીકાકાર – પંડિત વાચસ્પતિ મિશ્ર.
પંડિતજી ભામતીજીને પૂછે છે : ‘દેવી ! પચાસ વર્ષ સુધી આપણો ગૃહસ્થાશ્રમ કેવી રીતે ચાલ્યો ? પચાસ વર્ષ સુધી સતત સાથે છતાં તમે આટલાં મૂકભાવે, આટલા સંતાઈને કેવી રીતે રહી શક્યા ?’
ભામતીજી ઉત્તર આપે છે : ‘સ્વામીનાથ ! આપ આ જે ગ્રંથની રચના કરી રહ્યા છો, તે એક મહાન કાર્ય છે. હજારો વર્ષ સુધી લાખો માનવોને આ ગ્રંથ પ્રેરણા આપશે. આપ જે મહાન કાર્ય કરી રહ્યા છો, તેમાં સહાયભૂત થવું તે જ મારું કર્તવ્ય છે અને તેનું મેં પાલન કર્યું છે.’ પંડિતજીને મનમાં પોતાની ધર્મપત્નીની ઘોર અવગણના કરવા માટે પશ્ચાત્તાપ થાય છે. તેઓ કહે છે : ‘દેવી ! મેં તમને અન્યાય કર્યો છે. તમને પણ લગ્નજીવનના અરમાનો હશે. તમને પણ પતિસુખની ખેવના હશે. તમને પણ સંતાનપ્રાપ્તિની ઈચ્છા હશે અને તમને પણ સુખી ગૃહસ્થજીવન જીવવાની તમન્ના હશે. પરંતુ મેં તો તમને આમાંનું કશું જ આપ્યું નથી. દેવી ! મેં તમને સંસારસુખ આપ્યું નથી અને પત્ની તરીકેના તમારા સર્વ અધિકારોથી મેં તમને વંચિત જ રાખ્યા છે. મેં તમને ઘોર અન્યાય કર્યો છે, મેં પાપ કર્યું છે. દેવી ! તમે મને ક્ષમા કરો.’
ભામતીજી આંખમાં અશ્રુ વહાવતાં વહાવતાં અને કાકલૂદી કરતાં કરતાં બોલ્યા :
‘સ્વામીનાથ ! આપ કૃપા કરીને આવું વિચારશો નહિ અને આવું બોલો પણ નહિ. આપની સેવા અને આપના જીવનકાર્યમાં સાથ-સહકાર આપવા સિવાય મારી કોઈ એષણા નથી. નદી જેમ સમુદ્રમાં વિલીન થઈ જાય તેમાં જ તેની કૃતાર્થતા છે, તેમ મારું જીવન આપના જીવનમાં વિલીન થઈ જાય તેમાં જ મારા જીવનની કૃતાર્થતા છે. મેં તો જીવનમાં કાંઈ ગુમાવ્યું નથી. આપને પામીને, આપની સેવા પામીને, આપનાં જીવનકાર્યમાં સાથ આપીને હું બધું જ પામી છું. એ સિવાય મારા મનમાં કાંઈ પામવાની ઈચ્છા નથી.’
પંડિતજીની આંખમાંથી ઝરઝર આંસુઓ ઝરવા લાગ્યા. પત્ની પ્રત્યેના અહોભાવથી પંડિતજીનું હૃદય ભરાઈ ગયું. પંડિતજી કહે છે : ‘ભગવાન વેદવ્યાસે વર્ષોની તપશ્ચર્યા પછી ઉપનિષદોના અર્થની શાસ્ત્રીય વિવેચના કરતા ગ્રંથ ‘બ્રહ્મસૂત્ર’ની રચના કરી છે. ભગવાન આદિ શંકરાચાર્યે આ ગ્રંથ પર પોતાનું અપ્રતિમ ‘શાંકરભાષ્ય’ રચ્યું છે. વેદાંતના તત્વો સમજવા માટે આ બંને ગ્રંથો અપ્રતિમ છે. મેં જીવનભર આ બંને ગ્રંથોનું પરિશીલન કર્યું છે. આ બંને ગ્રંથો ગહન અને કઠિન પણ છે. મેં વર્ષો સુધી એકાગ્ર બનીને આ ગ્રંથો પર ટીકાની રચના કરી છે. મારું આ કાર્ય હજારો વર્ષો સુધી લાખો લોકોને ઉપયોગી થશે અને સૌની નજરમાં આ કાર્ય મહાન કાર્ય ગણાશે. પરંતુ દેવી ! ખાતરી રાખજો કે તમારી પચાસ વર્ષ પર્યંતની મૌન સેવા અને સહયોગ મારા આ મહાનકાર્યથી પણ સહસ્ત્રગણું મહાન કાર્ય છે. લોકો મારા ગ્રંથથી મને તો જાણશે, પરંતુ તમારી આ મહાન સેવા અને મહાન કાર્યને પણ જાણે, તે હેતુથી દુનિયામાં આ ટીકા ‘ભામતી ટીકા’ તરીકે ઓળખાશે. હું આ ટીકાના સમાપન ટાણે, આજ તેને ‘ભામતી ટીકા’ નામ આપું છું.’
જગપ્રસિદ્ધ પંડિતશિરોમણિ શ્રી વાચસ્પતિ મિશ્રની બ્રહ્મસૂત્ર-શાંકરભાષ્ય પરની આ જગપ્રસિદ્ધ ટીકા આજે પણ ‘ભામતી ટીકા’ તરીકે પ્રસિદ્ધ છે. આ મહાન ટીકા વેદાંતદર્શનનું અપ્રતિમ રત્ન મનાય છે. આ ટીકા દ્વારા લોકો ભામતીજીના અપ્રતિમ ત્યાગનું પણ અહોભાવપૂર્વક સ્મરણ કરે છે. વિશ્વને આંજી દે તેવા, સિકંદરના દિગ્વિજય જેવા મહાન કાર્યોની ઈતિહાસ અને લોકો નોંધ લે છે અને તેવા કાર્યોને સૌ હોંશે હોંશે યાદ કરે છે. પરંતુ શાંતભાવે થયેલાં અજ્ઞાત કાર્યોની કોઈ ભાગ્યે જ નોંધ લે છે, પરંતુ તેથી તેવાં કાર્યોનું મૂલ્ય ઓછું છે, તેમ નથી. પોતાની જાતને વિલીન કરી નાખવી, સાવ પડદા પાછળ રહીને ચુપચાપ જીવવું, કોઈના મહાન કાર્યમાં મૌનપૂર્વક સહયોગ આપીને પણ પોતે તો સાવ અજ્ઞાત રહેવું, પોતે મટી જઈને, પોતે જાણે છે જ નહિ તેવી રીતે જીવવું અને પોતાના માટે કશું જ પામવા માટે નહિ, પરંતુ બીજાના માટે પોતાની જાતને ગાળી નાખવી – આ કાંઈ સહેલું નથી.
મટી જવાની કળા, સૌથી મોટી કળા છે !
આટલી મહાનતા તો એક સ્ત્રી દાખવી શકે, પુરુષનું આટલું ગજું નહિ !
[2] શાંતિ
મેસોડેનિયાના રાજવી ફિલીપ ખૂબ મહત્વાકાંક્ષી હતા. તેમના મનમાં વિશ્વવિજેતા થવાની પ્રબળ ઈચ્છા હતી. તેમણે પ્રારંભ કર્યો અને આજુબાજુના ઘણાં રાજ્યોને જીતી પણ લીધા, પરંતુ તે પોતાની મહત્વાકાંક્ષાની પૂર્તિ માટે વિશેષ વિજયો હાંસલ કરી શકે તે પહેલા જ તેમનું મૃત્યુ થયું. રાજા ફિલીપના પુત્રનું નામ સિકંદર. સિકંદર પોતાના પિતા કરતાં સવાયો મહત્વાકાંક્ષી હતો. વિશ્વવિજેતા થવાની તીવ્ર આકાંક્ષા તેના મનમાં ખૂબ નાની વયથી જ હતી. પિતા ફિલીપના મૃત્યુ પછી તેમના એક માત્ર વારસદાર તરીકે તે રાજા બન્યો. સિકંદર પોતાને દેવપુત્ર અને અલૌકિક માનવ માનતો હતો.
પિતાના મૃત્યુ પછી અને રાજગાદી પર આસીન થયા પછી થોડા જ વખતમાં તેણે દિગ્વિજયની તૈયારી કરવા માંડી. સિકંદરની ઉંમર તે વખતે ખૂબ નાની હતી. પરંતુ વીરોને વળી ઉંમર શું ? આજુબાજુના વિસ્તારમાં તેમણે મેળવેલા વિજયો દ્વારા સિદ્ધ થઈ ગયું હતું કે નાની વયે પણ સિકંદર એક મહાન સેનાપતિ હતો. એક મહાન સેનાપતિની સર્વ યોગ્યતા તેનામાં હતી. તે વીર હતો, યુદ્ધવિશારદ હતો, સાહસિક હતો અને ખૂબ મહત્વાકાંક્ષી પણ હતો. તેણે ચુનંદા સૈનિકો, ઉત્તમ અશ્વો, ઉત્તમ હથિયારો, કુશળ સેનાપતિઓ, વફાદાર સરદારો અને અન્ય આવશ્યક સામગ્રી તૈયાર કરીને એક સક્ષમ મોટી સેના તૈયાર કરી. વિશ્વવિજય કરવા માટે તે હવે તલપાપડ થઈ રહ્યો હતો. સર્વ તૈયારી પૂરી થઈ. વિશ્વવિજય માટે નીકળવાનું મુર્હૂત પણ નિશ્ચિત થઈ ચૂક્યું હતું. વિશ્વવિજય માટે નીકળવાના દિવસને આગલે દિવસે સિકંદર એક ખાસ કામ માટે એક ખૂબ વિશિષ્ટ વ્યક્તિની મુલાકાત માટે જાય છે.
તે સમયે ગ્રીસમાં ડાયોઝિનિસ નામના એક સંતપુરુષ હયાત હતા. ડાયોઝિનિસ અવધૂત પુરુષ હતા. એથેન્સના મહાન સંત સોક્રેટિસ અને મહાન તત્વજ્ઞાની પ્લેટો પછીનો આ કાળ હતો. ડાયોઝિનિસને તે સમયના લોકો સોક્રેટિસનું નવું સ્વરૂપ ગણતા. મહાન સિકંદરને પણ સંત ડાયોઝિનિસ પ્રત્યે ખૂબ આદર હતો. સિકંદરના મનમાં એવી ભાવના હતી કે વિશ્વવિજય માટે પ્રયાણ કરતાં પહેલાં ડાયોઝિનિસ પાસે જવું, તેમના દર્શન કરવા, તેમના આશીર્વાદ મેળવવા અને પછી વિશ્વવિજય માટે નીકળવું. પોતાના મોટા વફાદાર સરદારોને સાથે લઈને સિકંદર ડાયોઝિનિસની પાસે જાય છે. સંત ડાયોઝિનિસ નગ્ન અવસ્થામાં એક વૃક્ષની નીચે સૂતા હતા. સિકંદર પોતાના સાથીઓ સાથે તેમની પાસે પહોંચ્યા. સિકંદરે તેમની સમક્ષ ઊભા રહીને તેમને પ્રણામ કર્યા. ડાયોઝિનિસ સૂતેલી અવસ્થામાં જ રહ્યા, બેઠા પણ ન થયા. સિકંદરે પુનઃ વંદન કરીને પ્રાર્થના કરી :
‘આવતી કાલે હું વિશ્વનો વિજય કરવા માટે પ્રયાણ કરું છું. આપના આશીર્વાદ ઈચ્છું છું.’
ડાયોઝિનિસ એ જ અવસ્થામાં પડ્યા રહ્યા. પડ્યા પડ્યા જ બોલ્યા :
‘શું છે ?’
સિકંદરે ફરીથી કહ્યું : ‘આવતી કાલે હું વિશ્વનો વિજય કરવા માટે પ્રયાણ કરું છું. આપના આશીર્વાદ પામવા માટે આવ્યો છું. આપ કૃપા કરીને મને વિશ્વવિજય માટે આશીર્વાદ આપો.’ ડાયોઝિનિસ બેઠા પણ ન થયા. એમ ને એમ સૂતેલા જ રહ્યા અને સૂતાં સૂતાં બોલ્યા : ‘વિશ્વ પર વિજય મેળવીને પછી તું શું કરીશ ?’
સિકંદર તો સ્તબ્ધ બની ગયો. કાંઈક ગૂંચવાયો પણ ખરો. શું જવાબ આપવો ? આખરે સિકંદરે ઉત્તર આપ્યો : ‘વિશ્વ પર વિજય સિદ્ધ કરીને પછી હું શાંતિથી રહીશ.’
ડાયોઝિનિસે તુરત પરખાવ્યું : ‘અત્યારે જ શાંતિથી રહેવા માટે કોણ ના કહે છે ? અત્યારે જ શાંતિથી રહી શકાય. શાંતિથી રહેવા માટે વિશ્વવિજય કરવાની શું જરૂર છે ? અમે તો વિશ્વવિજય શું શેરીવિજય પણ સિદ્ધ કર્યો નથી. તો પણ શાંતિથી રહીએ છીએ. શાંતિથી રહેવા માટે તો આ વૃક્ષની છાયા પર્યાપ્ત છે તું પણ આવી જા. અહીં પૂરતી જગ્યા છે.’ સિકંદર શું બોલે ? તે ચૂપચાપ પાછો વળી ગયો. તે બીજે દિવસે વિશ્વવિજય માટે નીકળ્યો તો ખરો જ, પણ આપણે સૌ જાણીએ છીએ કે તે વિશ્વ વિજય કરીને ગ્રીસ પાછો પહોંચ્યો જ નહિ. રસ્તામાં બેબિલોનમાં જ તેનું અવસાન થયું. જે શાંતિથી રહેવા માટે તે વિશ્વ વિજય કરવા નીકળ્યો હતો તે શાંતિથી રહેવાનો વખત આવ્યો જ નહિ.
આપણા સૌની અંદર એક સિકંદર બેઠો છે. તે સિકંદર પણ શાંતિથી રહેવા ઈચ્છે છે, પણ શાંતિથી રહેવા માટે, તે પહેલાં વિશ્વવિજય (કે અન્ય કોઈક પ્રકારનો વિજય) કરવા ઈચ્છે છે, તે માટે દોડે છે, પરંતુ શાંતિથી રહેવાનો વખત ક્યારેય આવતો નથી. ત્યાર પહેલાં તો આપણી પાસે બેબિલોનમાં બનેલી ઘટના આવી પહોંચે છે. માનવી એક એવા સમય માટે જીવનભર તૈયારી કરે છે, જે સમય કદી આવતો જ નથી. અને માનવી પોતાનું જીવન તૈયારીમાં જ ગુમાવી દે છે.
આખી રાત વીતી જાય છે શૈયા બિછાવવામાં જ,
પછી શયન કરશું ક્યારે ?
આયખું આમ જ વીતી જાય છે તૈયારી કરવામાં જ,
મિત્ર મારા ! ખરેખર જીવશું ક્યારે ?
માનવી શાંતિ ઈચ્છે છે, શાંતિથી જીવવા ઈચ્છે છે. પ્રશ્ન એ છે કે શાંતિની પ્રાપ્તિ માટે, શાંતિથી જીવવા માટે આટલાં ઉપદ્રવો કરવાની શી જરૂર છે ? આપણે જ આપણા માટે અશાંતિ ઊભી ન કરીએ તો શાંતિ તો છે જ !
[કુલ પાન : 474. કિંમત રૂ. 300. પ્રાપ્તિસ્થાન : પ્રવીણ પ્રકાશન પ્રા. લિ. લાભ ચેમ્બર્સ, મ્યુ. કોર્પો સામે, ઢેબર રોડ, રાજકોટ. ફોન : +91 281 232460.]

No comments:

Post a Comment