જીવન-ઉપનિષદ – સં. બબાભાઈ પટેલ
[ મહાપુરુષોના ઉત્તમ વિચારોના સંકલન રૂપ તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘જીવન-ઉપનિષદ’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.][2] જાગવું, ઊંઘવું, પેટમાં ખોરાક ઓરવો અને કાઢવો, નાહકના બકવાસમાં લૂલી વાપરવી અને જે કામ ન કરો તો સારું એવાં પુષ્કળ કામો કરવાં અને કરવાનાં કામો ન કરવાં, એ સિવાય તમે જિંદગીમાં બીજું શું કરવાના છો ? – સંત મિખિલ નેઈમી
[3] માનવજાતિ આંધળાં પ્રાણીઓના કોઈ ટોળા પેઠે પોતે શું કરે છે, શા માટે કરે છે, તે સમજ્યા કે જાણ્યા વિના, ચારે બાજુ દોડાદોડ કરી રહી છે, અને ફક્ત પરસ્પર અથડાઈ અને ટિચાઈ જ રહી છે. લોકો આ ક્રિયાને કર્મ કહે છે, જીવન કહે છે. – માતાજી
[4] આપણે જીવનમાંથી શું પ્રાપ્ત કરવું છે, એ વિશે ફક્ત એક જ વાર વિચારીએ તો આપણા દિવસોની હેતુવિહીન હારમાળાથી આપણે ચોંકી ઊઠીએ. – બર્ટ્રાન્ડ રસેલ
[5] માણસની યાદ રાખવાની શક્તિ ઉપર નહિ, પણ એની ભૂલવાની શક્તિ ઉપર એના સુખનો આધાર હોય છે. માણસના જીવનમાં કશુંક બને છે, પીડા થાય છે, વેદના થાય છે, દુઃખ થાય છે, છેતરપિંડી થાય છે, અકસ્માત થાય છે, પણ સમય જતાં માણસ એ બધું જ ભૂલી જાય છે. જો માણસ ભૂલી શકતો ન હોત તો આખીયે જિંદગી એણે એક આખો લોચો બનીને પસાર કરવી પડત – મોહમ્મદ માંકડ
[6] મન એટલે, જાગૃત અને અજાગૃત મન. આપણી ચેતનાનો બહુ થોડો જ ભાગ પ્રગટ થાય છે, જેને આપણે, જાગૃત મન કહીએ છીએ, તે ઉપરનું છે, પણ એ જાગૃત મનની નીચે, વણશોધ્યો, ઢંકાયેલો ભાગ છે, જેને અજાગૃત ભાગ કહેવામાં આવે છે. આપણું મન, આ બંને ભાગનું બનેલું છે. જાગૃત મનને વેગ આપનાર, ધક્કો મારનાર, કે પકડી રાખનાર, અજાગૃત મન છે. તમે ધારતા હશો કે ઉપરથી તમે બહુ શાંત છો, મહત્વાકાંક્ષા વિનાના છો, પણ અંદર છૂપા ભાગમાં, તમારી વેગરૂપી, દમનરૂપી, વૃત્તિઓરૂપી, હેતુઓરૂપી ધમણ તમારા હૃદયમાં ચાલતી જ રહે છે. અજાગૃત મન, માનવજાતિના સઘળા ભૂતકાળનો, તમારા જ ભૂતકાળનો ખજાનો છે. તેમની પ્રથાઓ, તેમનું જ્ઞાન, તેમના બદ્ધમતો વગેરે અજાગૃત મનમાં પડેલાં છે. આથી મન સ્મૃતિ છે. – જે. કૃષ્ણમૂર્તિ
[7] તમારું મનરૂપી યંત્ર જેટલું ઉપયોગી નીવડી શકે છે તેટલું જ વિધ્નરૂપ પણ બની શકે છે. મન તેની કુદરતી અવસ્થામાં એક બહુ જ મર્યાદિત વસ્તુ છે. એની દષ્ટિ બહુ અલ્પ છે, સમજશક્તિ બહુ સંકુચિત છે, ખ્યાલો જડ છે. આવા મનને વિશાળ કરવા, મુલાયમ અને ઊંડું બનાવવા, અમુક પ્રયત્નની જરૂર રહે છે. તે માટે આપણે હરેક વસ્તુ બની શકે તેટલાં વધુમાં વધુ દષ્ટિબિન્દુથી વિચાર કરતાં થવું ખૂબ જરૂરી છે. મન પોતે જ્ઞાનનું સાધન છે જ નહિ. તેનામાં જ્ઞાન શોધવાની શક્તિ છે જ નહિ, ઊલટું મને પોતે જ્ઞાન દ્વારા સંચાલિત થવાનું છે. જ્ઞાનનો પ્રદેશ તો મન કરતાં ઘણે ઊંચે આવેલી ભૂમિકામાં છે. તે માટે મને શાંત પણ થવાનું છે, એ જ્ઞાન તરફ ધ્યાનબદ્ધ થવાનું છે. માણસનું ચિત્ત જ્યારે ખૂબ જ સક્રિય બની જાય છે ત્યારે તેની ક્રિયાઓમાં અવ્યવસ્થા આવી જાય છે. તે દુર્બળ બની જાય છે. એ ચિત્ત જ્યારે એક ધ્યાનમય, નીરવ અવસ્થામાં સ્થિર થાય છે ત્યારે તેની સમક્ષ પ્રકાશ પોતે પ્રકટ થઈ શકે છે અને એ પ્રકાશ માણસની શક્તિઓ સમક્ષ નવી નવી ક્ષિતિજો ખોલી આપે છે. – માતાજી
[8] શરીર ટકાવવા માટે બહુ જ થોડી ચીજોની જરૂર હોય છે. જેમ જેમ તમે શરીરને ઓછું આપતા જશો તેમ તેમ એ તમને બદલામાં વધારે આપશે. – સંત મિખિલ નેઈમી
[9] જો કોઈ મને સમજાવે કે મારું અમુક કામ કે મારો અમુક વિચાર અનુચિત છે તો મારે એ કામ કે એ વિચાર સુધારી લેવો જોઈએ. મારી ભૂલ જે વ્યક્તિ બતાવે એના તરફ મારે આભારની લાગણી દર્શાવવી જોઈએ. હું તો સત્યની શોધમાં છું. સત્ય ક્યારેય દુઃખદાયી બનતું નથી. જે માણસ સત્યને ધિક્કારે છે એ હમેશાં અજ્ઞાનમાં રહીને પોતાને જ છેતરે છે અને દુઃખી થાય છે.
[10] માણસ પોતાની સ્થૂલ જરૂરિયાતોને મુલતવી રાખતો નથી. ભૂખ તો સંતોષવી જ જોઈએ. જ્યારે ઊંઘ આવે છે ત્યારે પથારીમાં પડીને ઊંઘવું જ પડે છે. જ્યારે તરસ લાગે છે ત્યારે પાણી પીને એને છિપાવવી જ પડે છે. પણ માનસિક સમસ્યાઓ વિષે મુલતવી રાખવાનું માણસ શતાબ્દીઓથી શીખ્યો છે, એને ભૂતકાળમાંથી સંસ્કાર મળ્યા છે. જો સામે ભય આવીને ઊભો રહેશે તો એ કહેશે કે ‘ધીરે ધીરે એ ભયને હું જીતી લઈશ.’ જો એનામાં હિંસા હશે તો એ કહશે કે ‘હું કોઈ તંત્ર અથવા પદ્ધતિ વડે એને ધીરે ધીરે પાર કરીશ.’ આ મુલતવી રાખવાની ટેવ, આ વિલંબ એ ધીમા આપઘાતની પ્રક્રિયા વિના બીજું કશું નથી. જ્યાં સુધી માનસિક પ્રશ્નોને લાગેવળગે છે ત્યાં સુધી આચરણનો વિલંબ એ માનવચેતનાનો જૂનો રોગ છે. – વિમલા ઠકાર
[11] જીવનની સમસ્યાઓ અને તેના પડકારો પ્રભુના પ્રેમપત્રો છે. પ્રભુના અક્ષરો સાફ કે સરળ નથી. તેને વાંચવામાં બુદ્ધિને શ્રમ પડે છે. પ્રિય ઘટનાને સૌ પ્રભુનો સંકેત સમજે છે, પરંતુ અપ્રિય ઘટનાને પ્રભુનો સંકેત માનવા રાજી નથી. પરંતુ મનનું સંશોધન કરતા જ રહો તો તેમાંથી પણ પ્રેમના સંકેતનાં રત્નો નીકળી આવશે. જીવનમાં આવતા સંકેતથી પીછેહઠ ન કરવી. મનની સાથે ખૂબ સંવાદ કરી લેવો. પ્રેમથી તેને સમજાવશો તો તે જરૂર સાથ આપશે. – વિમલા ઠકાર
[12] ક્રાંતિકારી ફેરફારો માટે મોટાં પરાક્રમોની જરૂર નથી હોતી. દરેક માણસ પોતે ખરેખર જે વિચારે કે માને તે જ બોલે અથવા પોતે ખરેખર જે ન માને તેને મોંએથી ન ઉચ્ચારે એટલાની જ જરૂર છે. સ્વતંત્ર માણસે હજારો માણસોની વચ્ચે પણ પોતાને જે ખરેખર લાગતું હોય કે, સમજાતું હોય તે જ સાચો-સાચ બોલવું, ભલે એ હજારો માણસો તેમનાં કૃત્યો અને આચરણો દ્વારા તેથી ઊલટું જ દશ્ય રજૂ કરે. સાચો માણસ એકલો પડી જાય એમ પણ લાગે, પરંતુ બને છે એવું કે મોટા ભાગના માણસો પણ તે જ પ્રમાણે માનતા તથા વિચારતા હોય છે. માત્ર તેઓ તે વ્યક્ત નથી કરતા, એટલે ગઈ કાલ સુધી જે એક માણસનો એવો અભિપ્રાય મનાતો હોય છે તે બીજે દિવસે બહુમતીનો સામુદાયિક બની રહે છે, અને એ અભિપ્રાય સ્થિર થવા લાગે છે કે તરત જ માણસોનાં કૃત્યો પણ ધીમે ધીમે તથા ક્રમે ક્રમે બદલાવા માંડે છે. – ટૉલસ્ટૉય
[13] વાણીનો જેમ ઓછો વપરાશ તેમ અંતર્મુખ દષ્ટિ વધે. આપણા ભીતરને સમજવાનો અને સુધારવાનો વધુ અવકાશ રહે. વાણીને વશમાં રાખવા અંતર્મુખ જીવવાનો અભ્યાસ ખૂબ મદદરૂપ નીવડે છે. અંતર્મુખ મનુષ્ય બોલવામાં ભાગ્યે જ ભૂલ કે ઉતાવળ કરે છે. – પ્રબુદ્ધ જીવન સામાયિક
[14] પ્લેટોએ જ્યારે સાંભળ્યું કે કેટલાક લોકો એને બહુ જ ખરાબ માણસ ગણાવે છે ત્યારે તેણે કહ્યું, ‘હું એવી રીતે જીવવાનું ધ્યાનમાં રાખીશ જેથી એમના કહેવા પર કોઈને વિશ્વાસ જ ન બેસે.’ – સિઝાર પાવેશ
[15] અન્યની સ્તુતિ મેળવવાની ઈચ્છા અને નિંદા મેળવવાનો ભય, આ બે જંજીરોથી આપણે સદાય બંધાયેલા રહીએ છીએ. સ્તુતિ અને નિંદા જે આપણને જીવનભર કારાવાસમાં રાખે છે, તે આખા જગતે કરેલાં નથી હોતાં, પણ અમુક મર્યાદિત લોકોએ કરેલાં હોય છે. એ સ્તુતિ અને નિંદા કાંઈ ખરા ધોરણ પર રચાયાં નથી હોતાં. આપણે આ નાનકડી અદાલતની હકૂમતથી ડરતાં ડરતાં આપણો ભવ બગાડીએ છીએ. જો આપણે પોતે પોતાનું જ ધોરણ રાખીએ, તેને જ દઢતાથી વળગી રહીએ, જે આપણી દષ્ટિએ આપણને સ્વધર્મ દેખાય તેને જ સાચવી રાખીએ, તો જગતની શાબાશીનો આપણો મોહ ઊતરી જાય અને એ શાબાશી ન મળે તો શું થાય એવો ભય પણ નીકળી જાય. જેણે જગત જીત્યું છે તેણે પહેલાં બીકને જીતી છે. – કનૈયાલાલ મુનશી
[16] તમે મશીન છો કે મનુષ્ય ? જો તમે મશીન હો તો બીજાઓ તમને ચલાવશે અને તમે ચાલશો. અને જો તમે મનુષ્ય હશો તો બીજાઓના ચલાવવાથી તમે નહીં ચાલો. બસ, મનુષ્ય અને મશીનમાં આટલો જ તફાવત છે. જો તમે મને ગાળ દો અને મારી અંદર ક્રોધ પેદા થયો તો તમે મને ચલાવ્યો અને જો તમે મને ગાળ દો અને મારામાં પ્રેમ પ્રગટે તો મેં તમને ચલાવ્યા. – રજનીશજી
[17] ફૂલ કે કોઈ પણ વસ્તુ, એ જેણે બનાવેલ છે તેણે જ તેમાંથી આનંદ લઈ શકે તેવું મન બનાવ્યું છે અને પછી એ બધામાં આનંદ આપનાર ને આનંદ લેનાર તરીકે એ પોતે રહે છે. જે ફૂલના રંગમાં બેઠો છે તે તારી આંખમાં બેઠો છે. જે એની પાંદડીની કુમાશમાં છે તે તારી ચામડીમાં છે. આનંદ ઊભો કરે તેવું જે કંઈ એ ફૂલની અંદર છે તે પોતે જ આનંદ માણનાર તત્વ તરીકે તારા મનમાં છે. આટલી બધી વસ્તુઓ, આટલાં બધાં પ્રાણીઓ, વિચારો, એ બધા જ વિષયોમાં આનંદ દેનાર તરીકે અને બધા જીવનમાં આનંદ માણનાર રૂપે એ જ રહ્યો છે, એનો ખ્યાલ કર. તો બીજોયે ખ્યાલ આવશે કે જો એ ફૂલમાં હોય, તેની સુવાસમાં હોય, સુવાસ લાવનાર હવામાં હોય, નાકમાં હોય, આપણા મનમાં હોય, ને વરસો જાય તોયે સ્મરણમાં હોય તો એ બધે વ્યાપક જ હોય, સનાતન હોય, આ આનંદનું હોવાપણું બધે જ છે. આપણું પોતાનું હોવાપણું પણ એ જ છે, એ આખીયે લીલા સમજવાની છે. એ સમજ્યા પછી, એ એક ફૂલનો આનંદ નહિ, જે કંઈ છે તે બધાંનો સહિયારો આનંદ, જાતે આનંદ થઈને અનુભવાય છે. પછી આનંદ માણનાર આનંદ દેનારથી કે આનંદથી જુદો નથી રહેતો. આનંદ સર્વવ્યાપક છે. વ્યાપકનું રૂપ જોઈ ન શકાય, એને પકડી ન શકાય, પણ એને અનુભવી શકાય, એમાં જીવી શકાય. એ વ્યાપકને જીવી શકાય. એનું નામ જીવન જીવ્યું કહેવાય, નહિ તો દેહ ભોગવ્યો કહેવાય. એ સર્વવ્યાપક હોવાથી જ એને ખરેખર ઓળખવા-મેળવવા મથીએ તો બહુ મહેનત નથી પડતી. એ મળે જ. સહેલું છે. પણ એ કરવું જોઈએ. કરી તો જુઓ. – મુકુન્દરાય વિ. પરાશર્ય
[18] યોગ એટલે પોતાની ખુદની મુલાકાત. આપણે દુનિયાભરમાં અનેકોને મળતા રહીએ, પણ આપણી પોતાની જાતની મુલાકાત કદી થઈ છે ખરી ? પોતાની મુલાકાત એ ભારે અઘરો માર્ગ છે. પોતાની જાતની મુલાકાતને માટે લોકો સામે અરીસો રાખે છે. બસ તેમાં જોયું કે થઈ ગઈ આપણી મુલાકાત ! પરંતુ ખરી આત્મમુલાકાત માટે તો છે યોગ. – વિનોબા
[19] માણસને ભીડમાં રહેવું ગમે છે. બધાની વચ્ચે ખોવાઈ જવું છે. એકાંતમાં એને એનો પોતાનો ડર લાગતો હોય છે. જ્યારે માણસ એકલો પડે છે ત્યારે તેની જાત એની સામે આવીને ઊભી રહે છે અને જાતનો જાતે જ મુકાબલો કરવો અઘરો હોય છે. એકાંતમાં જ આપણો અંતરાત્મા આપણને ડંખી શકે છે અને એને ડંખવાની તક આપણે આપવી જોઈએ….. આપણે આપણી જાતથી કશું ભયંકર છુપાવી રહ્યા છીએ અને એથી જ બીજા માણસોની હાજરીમાં સલામતી શોધવાનાં ફાંફાં મારીએ છીએ. – મોહમ્મદ માંકડ
[20] કશી જ દયા રાખ્યા વિના તમારી જાતનું અવલોકન કરો અને જોતા જાઓ કે જે વસ્તુઓ તમને બીજાઓમાં હાસ્યાસ્પદ લાગે છે તે બધી જ તમે તમારી અંદર પણ રાખેલી છે. – માતાજી
[કુલ પાન : 181. (મોટી સાઈઝ) કિંમત રૂ. 150. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન. 202, તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ-380006. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]
Source: reaggujarati.com
No comments:
Post a Comment